Satyanarayan Vrat Katha
Satyanarayan Puja is dedicated to Lord Vishnu. The best day to perform Satyanarayan Puja is Purnima and Ekadashi. Here is the Five Adhyay of Satyanarayan Katha to read during Puja.
શ્રી સત્યનારાયણ વ્રત કથા – પહેલો અધ્યાય:
એક સમયે અયોધ્યા પાસે આવેલા અતિપવિત્ર નૈમિષારણ્યમાં તપ કરનારા શૌનિક આદિ ઋષિઓ, સંપૂર્ણ પુરોણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો. હે મહામુનિ ! એવું કયું વ્રત છે કે જેનુ તપ કરવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય. આવું કોઈ વ્રત હોય તો સાંભળવા અમે ખૂબ જ ઉત્સુક છીએ, માટે અમને વિગતવાર કહો.
શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત નામના પુરાણી કહે છે : ‘એક સમયે દેવર્ષી નારદજીએ શ્રીકૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભગવાન શ્રીકૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર તમને કહું છું તે તમે સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો.’ એ સમયે નારદમુનિ અન્ય પર ઉપકાર કરવાની મહેચ્છાથી મનુષ્યલોકમાં ફરતાં ફરતાં આવ્યા. તેઓ શ્રીએ અહીં જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલા પોત પોતાના દુષિત કર્મોથી દુઃખી થતાં અને અનેક પ્રકારની આધિ-વ્યાધિઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા.
ક્યા ઉપાય થકી આ સર્વ જીવાત્માઓના દુઃખ દૂર થાય, એવો વિચાર કરી નારદમુનિ તેજ સમયે વિષ્ણુલોકમાં ગયા. વૈકુંઠલોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુકલવર્ણ પ્રભુના ચારે હાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા છે મનોવાણીથી પર અનંત રૂપવાળા, અનંત શક્તિશાળી એવા ભગવાન આપને મારા નમસ્કાર હો.
આદિ, મધ્ય, અંતથી રહિત નિર્ગુણ છતાં સત્વ, રજ ને તમોગુણના સર્જનના નાથ ! પ્રાણીમાત્રમાં પ્રથમ, શરણાગતોનાં દુઃખોને દૂર કરનાર દેવ તમને સાષ્ટાંગ પ્રણામ કરું છું.
આ જાતની નારદમુનિની સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા : ‘ હૈ ! મહાભાગ્યશાળી નારદમુનિ ! તમે શા માટે આવ્યા છો ? ને તમારા મનમાં શું છે ? તમે જે કઈ પણ જાણવા માંગશો તે સઘળું હું તમને કહીશ.’ એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદજી બોલ્યા : ‘ હે પ્રભુ ! મનુષ્યલોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે. તેમજ પોતે કરેલાં પાપકર્મોથી પીડાય છે.
હે નાથ ! એમના એ દુઃખોને નાશ કરવાનો ટૂકો અને સરળ કોઇ ઉપાય મને બતાવો, તો પ્રભુ ! એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા પર કૃપા હોય તો મને કહો. હું તે વાત સાંભળવાને આતુર છું.Satyanarayan katha in gujarati
નારદજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા : હે વત્સ ! તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી મોહ મુક્ત થવાય તે માટે કહું છું તે સાંભળો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી હું કહું છું. તો ધ્યાન દઈને સાંભળો. આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું છે અને આ ઉત્તમ વ્રત વિધિપૂર્વક કરી સર્વ કોઈ સુખ ભોગવી શીઘ્ર મોક્ષ મેળવે છે.
મહારાજ ! શ્રી સત્યનારાયણ ભગવાનનાં વ્રતનું ફળ અને તેની વિધિ કેવી રીતે કરવાની હોય છે ? એ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું, તે સંઘળું વિસ્તારથી મને કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા : ‘ હે નારદજી ! આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક, વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનારું અને ઘણું ઉત્તમ ફળ આપનાર છે.
આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે અને સર્વેને જય આપનારૂં છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્ય ગમે તે દિવસે સમી સાંજને સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. ઉપવાસ કરીને સત્યનારાયણ દેવનું સાયં કાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાં-વહાલાં ઈષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરવું.
આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘી, ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી-ખાંડ નાખી શીરો કરી ભગવાનને અર્પણ કરવો. તો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો. ખાંડ ન મળે તો ગોળ લેવો. પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી.
એમાં પાણીથી ભરેલા પાંચ કળશો મૂકી, પંચ રત્નો મૂકવાં. પુષ્પમાલાથી રાજગાદીએ મંડપમાં ચોખા – જવ ઘઉં – મગ – અડદ – કાંગ – તલ એમ છ જાતના અનાજનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રોના ચંદરવાથી આચ્છાદિત કરવો.
સુવાસિત ચંદનથી સાથિયો કાઢવો. શંખ ભેરી વગેરે વાજિંત્રો વગાડવા. કુટુંબ પરિવાર સહિત આનંદ કરવો. સાંજે વ્રત કરવાનો નિયમ લઈ, સવારે વહેલા ઊઠી, સ્નાનાદિથી પરવારી પોતાનું નિત્યકર્મ કરવું. પછી શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવવી. એને વિધિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવી બે વસ્ત્રોથી વિંટાળી, તામ્રપત્રમાં મૂકી પ્રાણ-પ્રતિષ્ઠા કરી, ચંદન-પુષ્પો, તુલસી, ધૂપ દીપ-નૈવેધ, પાન-સોપારી, જાતજાતનાં ફળો વડે કુટુંબીજનોની સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી ભક્તિથી ઉત્તમ પ્રકારનું સવાયુ નૈવેધ અર્પણ કરવું. કેળા-ઘી-દૂધ-ઘઉંનો કે ચોખાનો લોટ સાકર (અથવા ગોળ)એ સઘળા પદાર્થો સવાયા વજનમાં લઈ તેનો શીરો બનાવી પ્રસાદ ધરાવવો, બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી, બ્રાહ્મણો તથા સગા સંબધીઓને પ્રસાદ આપવો. અને પોતે લેવી. પછી ભગવાનની સામે ભક્તિથી ભજનકીર્તન કરવાં.
આ રીતે ભક્તિથી જે માણસ આ વ્રત કરશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. આ ઘણું કરીને કલયુગમાં અનેક તરેહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થાય માટે ઘણો જ સરળ ઉપાય છે.
ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણવ્રત કથા પ્રથમોડધ્યાયઃ સંપૂર્ણ.
શ્રી સત્યનારાયણ વ્રત કથા – બીજો અધ્યાય:
હે બ્રાહ્મણો હવે બીજી એક કથા કહું છું. તે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલા કોણે કર્યું હતું. તે કહું છું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશાં ધરતી પર ભટક્યા કરતો હતો. એક દિવસ રખડી રહેલ બ્રાહ્મણને ભગવાને કે જેને બ્રાહ્મણો અતિ પ્રિય છે તેમણે જોયો.
આથી ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને એ રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવ્યા અને પૂછ્યું : ‘હે બ્રાહ્મણ ! તું આટલો દુ:ખી થઈને ધરતીપર શા માટે ભટકી રહ્યો છે ? મને તારી દુઃખદર્દની સાંભળવાની ઈચ્છા થઈ છે તો તે તું મને સંભળાવ.
બ્રાહ્મણ બોલ્યો : ‘હું અત્યંત દરિદ્ર, નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા માટે જ ધરતી પર રખડી રહ્યો છું. મારૂં દારિદ્ર દૂર કરી મને સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને મને જણાવો.’ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું : હે બ્રાહ્મણ ! તારી કહાની દુઃખ-દર્દોથી ભરેલી છે. માટે આ કળિયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પરિપૂર્ણ કરશે.
શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે, “બ્રાહ્મણ ! તારે તારૂં નિર્ધનપણું ટાળવું હોય અને સુખ-શાંતિની ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા દિવસમાં જ તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ.’
નિર્ધન બ્રાહ્મણને શ્રી સત્યનારાયણનું વ્રતની વિધિ-વિધાન વિગતવાર સમજાવીને ભગવાન સત્યનારાયણ દેવ અદેશ્ય થઈ ગયા અને એ બ્રાહ્મણે ત્યાં જ ઊભા ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે, મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રતની વિધિ-વિધાન સમજાવી છે એ વ્રત હું અવશ્ય કરીશ જ.
આવો નિર્ણય કર્યા પછી એ દરિદ્ર બ્રાહ્મણને રાતે ઊંઘ પણ ન આવી. બીજા દિવસે સવારે વહેલો ઊઠી, નાહી-ધોઈ તૈયાર થઈને એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ જ. આવો દૃઢ નિર્ણય કરીને નિર્ધન બ્રાહ્મણ ભીક્ષા માંગવા માટે ગયો.
એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા બે ગણું કે સવાયું દેવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગાં-વહાલાં મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં રિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલીક થઈ ગયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજનનો આ કળિયુગમાં બહુ મોટો પ્રભાવ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામાર્થ્ય છે.
ત્યાર બાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે શ્રી સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા-ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો.
પૃથ્વી પર રહેતા માનવીઓમાંથી કોઈપણ શ્રી સત્યનારાયણનું વ્રત-પૂજન ભાવ પૂર્વક કરશે તો તેના સઘળા મનોરથો પૂર્ણ થશે. તેના સઘળા પાપોનો નાશ પણ થશે. સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે.
હે ઋષિઓ ! શ્રી સત્યનારાયણે નારદમુનિને સત્યનારાયણના વ્રતની વાત તથા તેના મહાત્મ્યની જાણ કરી, આથી એ જ વ્રતની વાત મેં તમોને કહી છે. હવે આપ શું જાણવાની ઈચ્છા રાખો છો ?
શ્રી સૂતજી મહારાજના આવા વચનો સાંભળીને ઋષિઓ બોલ્યા : ‘હે મુનિશ્વર ! એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમ વાર શ્રી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને એ વ્રત ત્યાર બાદ પૃથ્વી પર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માંગીએ છીએ. કારણ કે અમને આ વ્રતમાં ઘણી જ ઉત્કંઠા પેદા થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા બેઠી છે. સૂતજીએ તરત જ જવાબ આપ્યો : ‘હે મુનિઓ આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી શ્રી સત્યનારાયણનું વ્રત કોણે કર્યું હતું તે હું તમને કહું છું માટે ધ્યાન દઈને સાંભળો.
એક દિવસ એ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગાં-સંબંધીઓ અને મિત્રો સાથે આ વ્રત કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરોબર ત્યારે જ એક લાકડા વેચવાવાળો કઠિયારો ત્યાં આવ્યો. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા બહાર નીચે ઉતારીને ત્યાં બેઠો. એને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલી શ્રી સત્યનારાયણની પૂજા તથા વ્રત વિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણ પણ કરી. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું : ‘ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! આપ આ કયું વ્રત કરો છો ? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે ? અને તેની વિધિ શું છે ? એ સર્વ વિગત કૃપા કરીને મને કહો.’સત્યનારાયણ કથા ગુજરાતી માં
કઠિયારાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો : ‘આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પરિપૂર્ણ કરવા વાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધનદોલત પ્રાપ્ત થઈ છે.’
બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી, પાણી પીને એ કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો.
તે ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી શ્રી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો-કરતો વિચારવા લાગ્યો કે : આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે. એ ધનમાંથી હું શ્રી સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજન સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દૃઢ સંકલ્પ કરતા એ કઠિયારો માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી એ તરફ ગયો.
આ નયનરમ્ય નગરમાં જ્યાં ધનવાનો રહેતા હતા એ મહોલ્લામાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો,
ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતાં એનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદયો. સાથે સાથે વ્રતની બીજી પૂજન સામગ્રી પણ ખરીદી લીધી. પૂજન સામગ્રી બધી જ સવાઈ લઈને કઠિયારો આનંદિત થઈને ઘેર આવ્યો. સગાં-સંબંધીઓને બોલાવીને કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક શ્રી સત્યનારાયણ દેવની પૂજન-વિધિ કરીને અતિભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન-ધાન્ય અને પુત્રવાન સુખમય જીવન જીવીને કઠિયારો અંતે વૈકુંઠ વાસનો અધિકારી બન્યો. થયો.
ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયવ્રત કથા દ્વિતિયોધ્યાયઃ સંપૂર્ણ
શ્રી સત્યનારાયણ વ્રત કથા – ત્રીજો અધ્યાય:
શ્રી સૂતજી બોલ્યા : હે મુનિઓ ! હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું તે તમે સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી પર પ્રજાનું લાલન-પાલન કરતો હતો. આ રાજા ઈન્દ્રીયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. એ દરરોજ દેવાલયે જઈને ભગવાનને પ્રણામ કરીને બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો હતો.
આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી જ સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદીના કિનારે ભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેણે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધન-ધાન્ય, તેજાના તથા મોતી-જવેરાત ભર્યાં હતા.
નદી કિનારે પોતાનું વહાણ રોકીને એ સાધુ વાણિયો જ્યાં રાજારાણી શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યાં હતાં ત્યાં ગયો. રાજાને આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતમાં પૂછવા લાગ્યો. સાધુ વાણિયાએ કહ્યું : રાજન્ ! આટલી લગનથી, ભક્તિભાવ પૂર્વક તમે શાનું પૂજન કરી રહ્યા છો ? એ સઘળું હું અત્યારે જ જાણવા માગું છું. કૃપા કરીને મને કહો !’
રાજાએ તરત જ સાધુ વાણિયાને જવાબ આપતા કહ્યું : “ હે સાધુ વાણિયા ! હું શ્રી વિષ્ણુ ભગવાનની પૂજન-વિધિ કરૂં છું. મને ધન-ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવનકારી વ્રત કરી રહ્યો છું.’ રાજાનું આવું વચન સાંભળીને એ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો ‘હૈ પ્રજાપાલક રાજન્ ! આ સઘળા વ્રતની માહિતી મને કહો. હું આપના કહ્યા મુજબ કરીશ !’
‘હે મહારાજ ! મારે પણ સંતાન નથી. માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ, એટલે મારે ઘેર પણ સંતાન અવશ્ય થશે.’ ત્યાર બાદ સાધુ વાણિયો રાજા પાસેથી વ્રતની સઘળી વિધિ જાણીને વેપાર અર્થે ન જતા આનંદીત મન સાથે પોતાના ઘેર પાછો આવ્યો.
અને ઘેર આવીને શ્રી સત્યનારાયણ દેવના વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનમાં દૃઢ સંકલ્પ કર્યો કે, મારે ઘેર સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ !”
આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્નીને અતિહર્ષ સાથે જણાવ્યું કે ‘જ્યારે આપણા ઘરે સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ જ !’
સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી, પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શનારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસ એ સગર્ભા બની અને દસ મહિના પૂરા થતાં જ લીલાવતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અજવાળિયામાં ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય એ રીતે વધવા લાગી.
એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનો સાથે કહ્યું : ‘હે નાથ ! તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો. તે તમે કેમ પૂરો કરતાં નથી.’ સાધુ વાણિયો પ્રેમથી બોલ્યો – ‘ હે પ્રિયે, જ્યારે કલાવતીને આપણે પરણાવીશું ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ !’
આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતાં કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્ન લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્રો સાથે વિચાર-વિમર્શ કરીને એક દૂતને તરત જ બોલાવ્યો.
સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું : ‘ મારી કન્યા હવે ઉંમર લાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો.’ આજ્ઞા મળતાં જ એ ત કાંચન નામના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતાં ફરતાં એક વણિકના ઘરે ગયો. ત્યાં એ વણિકનો એક સુંદર પુત્ર ઘેર જોયો. એને સાથે લઈને દૂત પાછી આવ્યો ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના એ વાણિયાના પુત્રને જોયો.
સાધુ વાણિયાને તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગાં-સંબંધીઓને બોલાવીને ઘણાં જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન ધામધૂમથી કર્યાં.
કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠનાઈના કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ દેવ તેના પર કોપાયમાન થયા. કલાવતીને પરણાત્માને ઘણાય દિવસો વિતી ગયા. એ કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર કરવા માટે બહારગામની સફરે ઊપડી ગયો.
સિંધુ નદી પાસે આવેલ રત્નસારપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાનો વેપાર ધમધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયા. એ વખતે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયાં.
સાધુ વાણિયો પોતે શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એવો કરેલ સંકલ્પ ભૂલી ગયો હોવાથી ‘આની ઉપર અત્યંત ભયંકર, મહા કઠોર દુઃખ આવી પડશે’ એવો દેવે શ્રાપ આપ્યો.
એક દિવસ એ નગરના રાજાનું ધન લૂંટી લઈને ચોર ભાગતાં ભાગતાં જ્યાં આ સાધુ વાણિયો તથા તેનો જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યો.
ચોરને પકડવા માટે રાજાના સિપાઈઓ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરે પોતે ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખીને નાસી ગયો. સિપાઈઓ ચોરને શોધતાં શોધતાં જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈને સિપાઈઓ બંને વાણિયાને પકડીને રાજા પાસે લઈ આવ્યા.
ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાઈઓએ અતિ આનંદમાં દોડતાં આવીને રાજાને ખુશખબર આપ્યાં અને કહ્યું : હે મહારાજ ! અમે બે ચોરને પકડી લાવ્યા છીએ. તેમને જોઈને આપ સજાનો હુકમ કરો. રાજાએ ચોરોની સામે પણ જોયું નહિ અને જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સિપાઈઓએ એ બંનેને મજબૂત દોરડાથી બાંધીને મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દીધા.
શ્રી સત્યનારાયણની માયાને કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈપણ વાત સાંભળી નહિ. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું સઘળું ધન પણ લઈ લીધું.
આ બાજુ શ્રી સત્યનારાયણ દેવના શ્રાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી જ દુઃખી દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કંઈ ધન હતું તે સઘળું ચોરો ઉપાડી ગયા. લીલાવતી મનની ચિંતા અને અનેક રોગોથી ગસ્ત થઈને ભૂખ સહન ન થતાં ધીરે ધીરે ભીખ માંગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા માટે રોજ ઘરે ઘરે ભટકવા લાગી.
એક દિવસની વાત છે કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણને ઘેર ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત-પૂજન થતું જોયું.
વ્રત અને પૂજન સાંભળતાં તેના મનમાં ઘણી જ શાંતિ થઈ અને કથા સાંભળવા માટે તે ત્યાં જ બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, ‘હે પ્રભુ ! મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે.’ એવા આર્શિવાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગીને બ્રાહ્મણે આપેલ કથાનો પ્રસાદ આરોગીને મોડી રાત્રે તે ઘરે પાછી ફરી. રાતે મોડી ઘેર આવતાં ચિંતાને લીધે માએ કલાવતીને પૂછ્યું : ‘હે દીકરી ! તું રાત્રે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી ? તારા મનમાં કેવા વિચારો ચાલે છે ?’
આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડા આવવાનું કારણ જણાવતાં કહ્યું : ‘ હે માતા ! આજે હું એક બ્રાહ્મણને ઘેર ભીક્ષા માંગવાને ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવા વાળું વ્રત અને પૂજન તથા કથા થઈ રહી હતી. તે સાંભળવાને હું ત્યાં બેસી રહી હતી.’
પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળીને તે સાધુ વાણિયાની પત્ની આનંદભેર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગાં-સંબંધીઓને બોલાવીને શ્રદ્ધા અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂરૂ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે, ‘ હે પ્રભુ ! મારા પતિ તથા જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર પાછા આવે !’
પૂજન કરતી વખતે લીલાવતી હરઘડી ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી રહેતી કે : ‘હે ભગવાન ! મારા સ્વામી તથા જમાઈથી જે કંઈ અપરાધ થયા હોય તે બધા માફ કરજો.’ અને આ વ્રત અને પૂજન થવાથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા.
વ્રત અને પૂજનથી સંતોષ પામીને શ્રી સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાની પ્રાર્થનાથી દ્રવી ઊઠ્યાં અને એ જ રાત્રે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહ્યું : ‘હે રાજન ! તેં ચોરીના આરોપમાં જેલમાં પુરેલ બંને વાણિયાને સવાર થતાં સુધીમાં તું છોડી મૂકજે !’
હે રાજન ! એ સાધુ વાણિયાનું જે ધન તેં લઈ લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તેં મારો આદેશ ના માન્યો તો હું તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ નાશ કરીશ !’ રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને શ્રી સત્યનારાયણ ભગવાન અદ્દેશ્ય થઈ ગયા. સવાર પડતાં જ રાજાએ સભામાં પોતાને આવેલ સપનાંની સૌ કોઈને વાત જણાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાઈઓને આજ્ઞા કરી કે, કેદમાં પુરેલા બંને વાણિયાઓને તરત જ છોડી લાવો !’
રાજાની આજ્ઞા થતાં જ સિપાઈઓ કેદખાનામાં તરફ દોડી ગયા અને બંને વાણિયાઓને કેદમાંથી મુક્ત કરીને માનભેર રાજા પાસે લાવીને વિનય સહિત જણાવ્યું : હે મહારાજ ! આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધનમુક્ત કરીને તમારી પાસે લાવ્યા છીએ.’ બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યો.
પરંતુ પહેલા પોતાના પર બની ગયેલ બનાવને યાદ કરીને ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કંઈ બોલી શક્યા નહિ. વાણિયાઓને જોઈને રાજાએ માનભેર આ રીતે કહ્યું.
આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ દેવયોગ અને એમના કર્મની કઠણાઈઓને લીધે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું. પણ હવે કોઈ જ ભય નથી.’ આમ કહીને રાજાએ બંનેને બંધનમાંથી મુક્ત કર્યા. અને હજામ પાસે વાળ કપાવડાવી, નવરાવી ધોવરાવીને નવાં વસ્ત્રો પહેરવાને આપ્યા.
આવી રીતે સ્નાન કરાવી, જર-જવેરાત પહેરાવીને બન્નેને તૈયાર કર્યા. બન્નેને સભાની વચ્ચે બેસાડીને મધુર વચનો બોલીને તેમને ઘણા જ ખુશ કર્યા. ત્યાર બાદ રાજાએ એમનું જે ધન આંચકી લીધું હતું તે બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે, ‘હવે તમે તમારે ગામ જાવ. ઘરના બધા ચિંતા કરી રહ્યા હશે !’
રાજા આવી વાત સાંભળીને સાધુ વાણિયો તથા તેનો જમાઈ ઘણાં જ ખુશ થયા અને તેઓ બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા કે, ‘આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું.’
ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણવ્રત કથાયાં તૃતિયોધ્યાયઃ સંપૂર્ણ
શ્રી સત્યનારાયણ વ્રત કથા – ચોથો અધ્યાય:
સૂતજી કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયાએ પોતાના ગામ તરફ જવાની મંગળયાત્રા શરૂ કરી. રાજાએ આપેલ ધનમાંથી બ્રાહ્મણોને દાન કરીને સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા નીકળ્યો, સાધુ વાણિયાનું વહાણ દરિયામાં ઘણે જ દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાનું વહાણ કિનારે લાંગલ્યું. આ જોઈને સત્યનારાયણ દેવને એની પરીક્ષા કરવાનું મન થયું કે લાવને વાણિયાને જઈને પૂછું કે, ‘તારા વહાણમાં શું ભર્યું છે !’
સત્યનારાયણ ભગવાનને સાધુ વાણિયાની પરીક્ષા લેવાની ઈચ્છા થતાં તેઓ સાધુનું રૂપ લઈને જ્યાં વાણિયાઓનું વહાણ લાંગર્યું હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું : ‘તમારા વહાણમાં શું ભર્યું છે ?’ મહારાજનો આવો સવાલ સાંભળીને ધનના મદમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુ મહારાજની મશ્કરી કરતાં કહેવા લાગ્યા : ‘હે સંન્યાસી બાબા ! આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો ?’
સાધુ વાણિયાએ મશ્કરી કરતાં કહ્યું : ‘ હે મહારાજ ! અમારા વહાણમાં તો વેલાઓ તથા પાંદડાં જ ભરેલા છે.’ એમનું આવું મશ્કરી જેવું બોલવું સાંભળીને સત્યનારાયણ ભગવાને કહ્યું : ‘તમારુ બોલેલ વચન સત્ય થજો !” આમ કહીને શ્રી સત્યનારાયણ ભગવાન જે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા, તેઓ નદીના કિનારે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા કે હવે વાણિયાની હાલત કેવી થાય છે !
સાધુ મહારાજ ચાલ્યા ગયા છે, એવી જાણ થતાં જ વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારીને આવ્યો ત્યારે પોતાનું વહાણ હલકું થઈ જવાને કારણે પાણી પર તરતું જોઈને તેને નવાઈ લાગી.
સાધુ વાણિયો એકદમ વહાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વહાણમાં વેલા અને પાંદડા ભરેલાં હતાં. આ જોઈને વાણિયો આઘાતને કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘણી જ ચિંતા કરવા લાગ્યો કે, હવે શું કરવું ?’
વાણિયાને ચિંતામાં ડૂબેલો જોઈ તેના જમાઈએ તેને કહ્યું : ‘તમે શા માટે ચિંતા કરી રહ્યાં છો ? આ બધા કારસ્તાન પેલા સાધુના છે ! એ સાધુના બોલવા પ્રમાણે જ આ બધું થયું છે. માટે આપણે એ સાધુના ચરણોમાં જઈશું. તો જ આપણું કામ પાર પડશે. માટે ગમે તેમ કરીને આપણે એ સાધુ મહારાજને શોધી કાઢીએ અને એમના ચરણોમાં પડી જઈએ.’ પોતાના જમાઈનું કહેવું સાંભળીને તરત જ એ સાધુ વાણિયો સાધુબાવાને શોધવા લાગ્યો. સાધુબાવા પર નજર પડતાં જ એ ત્યાં જઈને એમના ચરણોમ આળોટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો :
હે મહારાજ મારાથી જુઠુ બોલાઈ ગયું છે, માટે મારા અપરાધને ક્ષમ કરો.’ સાધુ વાણિયો ગળગળો થઈને વારે વારે પ્રભુના ચરણોમાં આળોટવ લાગ્યો.
સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈને સાધુ રૂપે આવેલ શ્રી સત્યનારાય દેવને તેના પર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા કે, ‘ હૈ સાધૂ વાણિયા ! રડવાથી કંઈ વળવાનું નથી, માટે રડવાનું તું બંધ કર અને ઓ ધનના મદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા ! મારું અપમાન કરીને તેં વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે.’ આવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળીને સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો.
પ્રભુના આવા વચન સાંભળીને સાધુ વાણિયો કરગરવા લાગ્યો : ‘ હૈ પ્રભુ ! આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. પ્રભુ ! હું તો એક પામર માનવ છું. તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું ! હે પ્રભુ ! આપ મારી પર દયા કરો અને મારા ઉપર પ્રસન્ન થાવ ! હું મારી યથા શક્તિ મુજબ આપની પૂજા-ભક્તિ કરીશ ! હે પ્રભુ ! મારા વહાણમાં ધન-હીરા-જવેરાત ભરેલ હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો માટે હે પ્રભુ ! આપ હવે મારું રક્ષણ કરો.’ આવી સાધુ વાણિયાની ભક્તિભરી વાણી સાંભળીને…
શ્રી સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત મને પોતાના વહાણ પાસે આવ્યો. આવીને જુએ છે તો વહાણમાં પહેલાની જેમ જ ધન-દૌલત-હીરા-જવેરાત ભરેલા હતા. આથી ખુશ થઈને ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો.
શ્રી સત્યનારાયણ ભગવાને મારી મનોકામના પૂર્ણ કરી છે. મારી ઈચ્છા પૂર્ણ ન થાત તો હું બરબાદ થઈ જાત.’ આમ બોલીને સાધુ વાણિયાએ નદીના કિનારે જ પોતાના હીતેચ્છુઓને ભેગા કરીને શ્રી સત્યનારાયણની કથા પૂજનવિધિ કરી.
શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. ત્યાર બાદ આનંદ અને ઉમળકાથી તે પોતાના ગામ જવા રવાના થયો.
વહાણ ધીમે ધીમે નદીમાં આગળ વધતું જતું હતું. આમ કરતાં ઘણા દિવસે પોતાના ગામની નજીક આવી પહોંચ્યો ત્યારે તે પોતાના જમાઈને કહેવા લાગ્યો : ‘જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે.’ આમ કહીને તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘરે સમાચાર આપવાને રવાના કર્યો. દૂત નગરમાં ગયો. ત્યાંથી સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્ની લીલાવતીને બે હાથ જોડીને વંદન કરીને ખુશીનો સંદેશો કહેવા લાગ્યો. તે સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્નીને કહ્યું : તમારા જમાઈ, કુટુંબીજનો સાથે પુષ્કળ ધન-દૌલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે.’
દૂતના મુખેથી આવા વચનો સાંભળીને લીલાવતી રાજીની રેડ થઈ અને તેણે તરત જ શ્રી સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો. ભાવપૂર્વક પૂજન વિધિ કરી અને પોતાની પુત્રીને પણ ભગવાનનું પૂજન કરવાનું કહ્યું.
આમ કહીને લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું : “બેટા ! હું તારા પિતાજીના દર્શન કરવા માટે જઈ રહી છું. હું પણ કથાનું પૂજન કરી જલ્દી આવજે.’ માતાના વચન સાંભળીને પુત્રીએ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળ કરીને સમાપ્ત કર્યું. ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહન કરવાનું ભૂલી ગઈ અને પોતાના સ્વામીને જોવાને ઉતાવળી ઉતાવળી નદી કાંઠે આવી. શ્રી સત્યનારાયણ દેવ કોપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ… દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહિ.
પોતાના પતિને તથા વહાણને જોતાં કલાવતી કન્યા ઘણી જ દુ:ખી દુ:ખી થઈ ગઈ. તે વિલાપ કરતાં કરતાં જ ત્યાં જ જમીન પર ઢળી પડી.
સાધુ વાણિયો પણ પોતાના જમાઈ સાથે અદશ્ય થઈ ગયેલ વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈને ગભરાઈ ગયો. મનોમન બબડી ઊઢ્યો : ‘ આ તે કેવું આશ્ચર્ય છે ?’ વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈને લીલાવતી પણ અતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી :‘હે સ્વામીનાથ ! હમણા તો આપણા જમાઈ વહાણમાં હતા. આમ અચાનક તેઓ વહાણ સાથે ક્યાં અદૃશ્ય થઈ ગયા ? હું એ સમજી શક્તી નથી કે આપણાથી કયા દેવનો એવો અપરાધ થઈ ગયો છે કે જમાઈ વહાણ સાથે અદેશ્ય થઈ ગયા ?
હે નાથ ! શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે ?’ આમ કહીને લીલાવતી સતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી.
લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈને ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાનો પતિ જરૂર મરી ગયો છે એમ જાણીને કલાવતી વિલાપ કરતાં કરતાં પોતાના પતિની ચરણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મરવાને તૈયાર થયેલી જોઈને સાધુ વાણિયો પત્ની સાથે…ખૂબ જ શોક કરવા લાગ્યો અને દુઃખી દુઃખી થઈ ગયો. વતનમાં આવ્યાનો આનંદ ગમમાં ફેરવાઈ ગયો. તે ધર્મને જાણતો હોઈ વિચારવા લાગ્યો : ‘ ખરેખર શ્રી સત્યનારાયણ ભગવાને જ પોતાની માયાજાળ રચાવીને મને પરેશાન કરવા માટે આવું કાર્ય કર્યું નહિ હોયને ? તેમની માયાથી હું ભ્રમમાં પડ્યો છું.
હે પ્રભો ! હવે મને સતાવો નહિ ! હું મારી શક્તિ મુજબ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ.’ આમ વિચારી પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવીને સર્વને પોતાનો મનોરથ કહ્યો. અને સાધુ વાણિયો વારંવાર શ્રી સત્યનારાયણ ભગવાનને દંડવંત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળું, દુ:ખ હર્તા, ભક્તોનું રક્ષણ કરનાર તથા સ્નેહ વરસાવનાર શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા.
આખરે ભગવાન પીગળ્યા અને સાધુ વાણિયા પર કૃપા દૃષ્ટિ કરી અને કહેવા લાગ્યા : ‘ અરે હે સાધુ વાણિયા ! તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાના પતિના દર્શન કરવાને દોડી આવી છે.
આના કારણે જ એના પતિને મેં સમુદ્રમાં અદૃશ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે… ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી.’ આવી આકાશવાણીના વાક્યો સાંભળતાં જ.. કલાવતી કન્યા દોડાદોડ પોતાને ઘેર ગઈ. શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો અને જ્યારે પાછી ફરી ત્યારે જ એનો પતિ નજરે ચડ્યો.
ત્યાર બાદ ખુશ થઈને કલાવતીએ પોતાના પિતાને કહ્યું : ‘હવે તમે સર્વે મારે ઘરે પધારો. શા માટે તમે હવે વિલંબ કરી રહ્યા છો ? પોતાની પુત્રીનું આવું વચન સાંભળીને સાધુ વાણિયો ઘણો જ હર્ષ પામ્યો અને તેણે વિધિ વિધાન સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગાં-સંબંધીઓ અને પોતાના સઘળા ધનને લઈને તે ઘેર આવ્યો. ત્યાર બાદ જ્યારે સંક્રાન્તિ પર્વ અને પૂનમ આવતી ત્યારે ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ વિધાન મુજબ પૂજન કરતો હતો.
આના કારણે અને પોતાની શ્રદ્ધાભક્તિને કારણે સર્વ સુખ ભોગવીને છેવટે એ મરણ બાદ સત્યલોકમાં ગયો.
ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણવ્રત કથાયાં ચતુર્યોદધ્યાયઃ સંપુર્ણ
શ્રી સત્યનારાયણ વ્રત કથા – પાંચમો અધ્યાય:
સૂતજી બોલ્યા : હે મુનિવર ! સાધુ વાણિયાની કથા તમે સાંભળી. હવે તમને બીજી એક કથા કહી રહ્યો છું. તે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન-પાલન કરવા માટે તત્પર રહેતો હતો. તે રાજાએ એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણું જ દુઃખ પામ્યો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી…
તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળીને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા-પૂજન ભક્તિભાવ પૂર્વક કરી રહ્યા હતાં… આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો. ન તો દેવને નમન કર્યું અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા…
ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો. પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના સો પુત્રો તથા ધન-ધાન્ય, હીરા જવેરાત સઘળું નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા લાગે છે.
વિચાર કરતા કરતા જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ !’ આવું મનમાં વિચારીને મેં ગોવાળિયા પાસે આવ્યો… અને સર્વ ગોવાળિયાને બોલાવીને એ રાજા ભક્તિ ભાવપૂર્વક, પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યા…
પોતાનું કથા-પૂજન થતાં જ શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયો.
અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે અને ભક્તિ યુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે છે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું જ મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન-ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તી થાય છે. જે દરિદ્ર હોય તે ધનવાન બને છે અને જે બંધનમાં પડ્યો હોય તે બંધનમુક્ત થાય છે.
વળી જે ગમે એટલો ભયભિત થયો હોય તો તે ભયમુક્ત થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આલોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને તે સત્યલોકમાં જાય છે.
સૂતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતાં કહ્યું : હે બ્રાહ્મણો, મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળાં દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખશાંતિ ભોગવે છે.
આ હળાહળ કળજુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો એને ‘કાળ’ કહે છે અને કેટલાંક સત્ય ઈશ્વર કહે કેટલાંક લોકો એમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાંક ‘સત્યદેવ’ કહે છે. એજ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતનાં રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. આ હળાહળ કળિયુગમાં તો શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે. જે કોઈ ભક્તિભાવ પૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુ:ખો નાશ પામે છે. તેના સઘળા પાપો નષ્ટ થઈ જશે.
હે મુનિવરો ! પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું. તેમના પુનઃજન્મ કાં કાં થયા હતા, તે હવે જણાવી રહ્યો છું. તો ધ્યાન દઈને સાંભળો :
જે નિર્ધન મહા બુદ્ધિશાળી શતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો.
લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા-પૂજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો.
ઉલ્ખામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું હતું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયો.
ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો હતો. અને એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો.
તુંગધ્વજ નામના રાજાએ પહેલા શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભુ મનુ થયો હતો. તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને, ભગવાનની ભક્તિ કરી હતી. આથી તે વૈકુંઠમાં ગયો…
ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણવ્રત કથાયાં પંચમોડધ્યાયઃ સંપુર્ણ.
Comments
Post a Comment